Wednesday, November 18, 2009

રસ્તાઓનું બાંધકામ
ડાયવર્ઝન, વર્ક ઇન પ્રોસેસ, વાહન ધીમે હાંકો, ભય વગેરે...... એ.એમ.સી. ધ્વારા મુકાયેલા બોર્ડ રસ્તાઓ પર જોવા મળતા જ હોય છે.સરકારે હાથ ધરેલા કર્યો જેવા કે ઓવરબ્રીજ બનાવવા, અંડરગ્રાઉન્ડ ગટરલાઈન બનાવવી,રસ્તાઓ બનાવવા વગેરે જેવા કર્યો સરકાર નિયત કરેલા સમયમાં ક્યારેય પુરા થતા નથી અને તેને પરિણામે વાહન વ્યવહારમાં તથા આસપાસના રહીશોને અવરજવરમાં તથા બીજી ઘણી મુશ્કેલીઓ પડે છે.કામ પૂરું થયા પછી પણ મહિનાઓ સુધી રસ્તા પરથી વધારાના રોળા,માટી વગેરે ઉઠાવવામાં આવતા નથી અને ખોદાયેલા મોતના કુવા જેવા ખાડાઓ પણ પુરવામાં આવતા નથી. સરકાર નિયત સમયમાં કામ કેમ પૂરું કરતી નથી? સરકાર જો તેમ કરે તો પ્રજાના ઘણા બધા પ્રશ્નો હલ થઇ શકે તેમ છે?
- હિના રાણા

Monday, November 2, 2009


(એન.એસ.એસ.)
'રાષ્ટ્રીય સેવા યોજના શિબિર'
અહેવાલ
[પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગ]


"હિના રાણા"

પત્રકારત્વ વર્ષ :-૧
સ્થળ :- ગ્રામ જ્યોતિ ઉચ્ચતર બુનિયાદી શાળા
ગ્રામ સેવા મંડળ,
ફતેપુર,
ઉત્તર ગુજરાત.
તાલુકો:-સમી
જીલ્લો:-પાટણ
તારીખ:-૫-૧૦-૨૦૦૯ થી ૧૦-૧૦-૨૦૦૯(૬ દિવસ)
વિષય:-"વ્યસન મુક્ત્તિ અને સ્વચ્છતા"
તા.૫-૧૦-૨૦૦૯ થી ૧૦-૧૦-૨૦૦૯ દરમિયાન ગૂજરાત વિદ્યાપીઠના પત્રકારત્વ વિભાગના વિદ્યાર્થીઓની "રાષ્ટ્રીય સેવા યોજના" (એન.એસ.એસ.) શિબિર ઉત્તર ગુજરાતના પાટણ જીલ્લાના ફતેપુર ગામમાં યોજાઈ. જેમાં વિદ્યાર્થીઓનો મુખ્ય હેતુ 'વ્યસન મુક્તિ અને સ્વચ્છતા' હતો. જેમાં પત્રકારત્વ વિભાગના ૧૮ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શિબિરનું નેતૃત્વ અધ્યાપક ડૉ. અશ્વિનભાઈ ચૌહાણએ સંભાળ્યું હતું. શિબિર માટે વિદ્યાર્થીઓ તથા અદ્યાપક મિત્રો ૫મી ઓક્ટોબર સોમવારના રોજ રૂપેણ નદીને કિનારે આવેલ ફતેપુર ગામની "ગ્રામ જ્યોતિ ઉચ્ચતર બુનિયાદી શાળ"માં હાજર થઇ ગયા હતા.શિબીરાર્થીઓને રહેવા,જમવા તથા અન્ય જરૂરી વ્યવસ્થા શાળાના આચાર્ય હર્ષદભાઈ રાવલે કરી હતી.
પ્રથમ દિવસે શિબીરાર્થીઓએ રૂપેણ નદીની મુલાકાત લીધી હતી અને ત્યાં સૂર્યાસ્ત નિહાળ્યો હતો અને ત્યાં ફોટોગ્રાફી પણ કરી હતી. નદીદર્શન પછી પાછા શાળાએ ફરી ભોજન બાદ રાત્રી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગામના જાણકાર હર્ષદભાઈ (આચાર્ય),લાલજીભાઈ,કરણભાઈ,વિષ્ણુભાઈ વગેરે વ્યક્તિઓએ ગામ વિશે પ્રાથમિક માહિતી આપી હતી.
બીજા દિવસે સવારે ૧૮ શિબીરાર્થીઓની ૩ ટુકડીઓ કરી તે પ્રમાણે ગામના અલગ અલગ વિસ્તારમાં જનસંપર્ક કર્યો હતો. જે દરમિયાન શિબિરાર્થીઓએ ગામના પરિવારોની મુલાકાત લઇ ગામની વસ્તી,રીતરીવાજો,વ્યસનનું પ્રમાણ,આર્થિક સ્થિતિ અને સ્વચ્છતા વિશે નોંધનીય માહિતી મળી હતી. ૬૩૮ની વસ્તી ધરાવતા ગામમાં શિક્ષણ નું પ્રમાણ ઘણું નબળું જોવા મળ્યું હતું. વ્યસનનું પ્રમાણ લગભગ ૯૦% જેટલું હતું. જેમાં પુરુષોમાં વ્યસનનું પ્રમાણ ૯૮% તથા સ્ત્રીઓમાં ૧૦% જેટલું જોવા મળ્યું હતું. ગામમાં અમુક ઘરોમાં દારૂ પણ ગાળવામાં આવતો હતો આથી માલુમ પડે છે કે તમાકુ,ગુટખા સિવાય ત્યાં દારૂનું વ્યસન પણ હતું. ગામના પરિવારોનો મુખ્ય વ્યવસાય ખેતી,પશુપાલન તથા મજૂરીનો હતો. ગામની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હતી. સાંજના પશુપાલન અંગે જાણકારી મેળવવા લાલજીભાઈના ખેતરની મુલાકાત લીધી હતી.ત્યાં બાયોગેસ પ્લાન્ટ વિશે પણ જાણ્યું હતું. રાતના પંકજ કપૂરની આર્ટ ફિલ્મ "ધર્મ" નિહાળી હતી.

ત્રીજા દિવસે સવારના શિબિરાર્થીઓએ પ્રભાતફેરી કરી અને ત્યારપછી ટુકડી પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં ગામ સફાઈ કરી હતી. પછી જનસંપર્ક અને બાદ પ્રાથમિક શાળામાં પોસ્ટર પ્રદર્શન કર્યું અને બાળકોને પોસ્ટર ધ્વારા વ્યસન મુક્તિ,શિક્ષણ અને સ્વચ્છતા વિશે માહિતી આપી હતી. બપોરના પ્રસિદ્ધ મોઢેરાના સૂર્યમંદિરના દર્શન કરવા નીકળ્યા. મંદિર જતા પહેલા અમે બેચરાજીમાં આવેલ "મારગ" સંસ્થાની મુલાકાત લીધી જે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો અંગે છેલ્લા ૮ વરસથી કાર્યરત છે. મુલાકાત બાદ અમે સંખલપૂરના બહુચરાજી મંદિરના દર્શન કરી મોઢેરાના પ્રસિદ્ધ સૂર્યમંદિર પહોંચ્યા. સૂર્યાસ્તના સમયે સૂર્યમંદિર નિહાળ્યું અને ફોટોગ્રાફી પણ કરી.પછી ત્યાંથી બેચરાજીના બહુચરાજીના દર્શન કરી ફતેપુર પરત પહોંચ્યા. રાત્રે ભોજન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો.


ચોથા દિવસે સવારે વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો. જેમાં વિવિધ જાતના ૫૦ થી ૬૦ જેટલા છોડ રોપ્યા. જેમાં દરેકે આનંદ થી ભાગ લીધો. બપોરે ભોજન બાદ બે વિદ્યાર્થી મિત્રો બાજુના ગામની શાળામાં પોસ્ટર પ્રદર્શન કર્યું અને બાળકોને વ્યસન મુક્તિ તથા સ્વચ્છતા વિશે જાગ્રત કર્યા અને અન્ય વિદ્યાર્થીઓએ બાળપ્રવૃત્તિનું આયોજન કર્યું અને સાંજના ફતેપુરથી આશરે ૩કી.મી. દૂર આવેલ મેરા ગામની મુલાકાત લીધી. મેરા ગામની ખાસિયત એ હતી કે ત્યાં હિંદુ મુસ્લિમ એકતા હતી.ત્યાં એવા મુસલમાન હતા જે ભૂતકાળના અમુક કારણોને લીધે ધર્મપરિવર્તન કરવામાં આવ્યા હતા. ત્યાં શિક્ષણનું પ્રમાણ ઘણું સારું જોવા મળ્યું હતું. પછી પરત આવી ભોજન બાદ ઈ.સ.૧૯૮૪ના શીખ રમખાણ પર આધારિત "અમુ" ફિલ્મ નિહાળી.

પાંચમાં દિવસે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું જેની પૂર્વતૈયારીઓ શિબિરાર્થીઓ તથા શાળાના વિદ્યાર્થીઓએ સવારથી જ શરુ કરી દીધી હતી. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગરબા,કવાલી,દેશભક્તિ ગીતો તથા મહેંદી,માટીકામ,કાગળકામ,ચિત્રકામ,ગ્રીટિંગસ કાર્ડ બનાવવા,સમુહ ગરબા,ઝાડ પરના ઝૂલા વગેરેનું આયોજન કર્યું હતું. જેમાં આશરે ૩૦૦ જેટલા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મસ્તી કરી હતી. મેળામાં હવામહેલ પણ હતો.જેમાં લીમડાના ઝાડ પર ખાટલો બાંધી દુકાન તૈયાર કરવામાં આવી હતી. મેળામાં શિબિરાર્થી મિત્રોએ ગાંધીજીના જીવન વિશે, વ્યસન મુક્તિ અને સ્વચ્છતા વિશે બાળકોને સમજાવ્યું હતું અને આ રીતે બાળકોને જ્ઞાન સાથે ગમ્મત કરાવી હતી. આ મેળો લગભગ સાંજ સુધી ચાલ્યો હતો જેને નાના મોટા બધા એ ઉત્સાહભેર માણ્યો હતો. ત્યારબાદ શિબિરાર્થીઓ ગામથી ૨કિ.મી. દૂર આવેલ તાન્ત્રેશ્વર મહાદેવના દર્શન કરી સૂર્યાસ્તના સમયે રૂપેણ નદીમાં નાહવાની મજા માણી. ત્યારબાદ પરત ફરી રાત્રે ભોજન બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો.
છઠ્ઠો દિવસ તા.૧૦-૧૦-૨૦૦૯,શનિવાર એ શિબિરનો છેલ્લો દિવસ હતો. જે દિવસે સવારે શાળા વિદ્યાર્થીઓ તથા શિબિરાર્થીઓ દ્વારા પેપર(છાપા) વેશભુષાની સ્પર્ધાનો કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં પેપરનો ઉપયોગ કરીને અલગ અલગ પાત્રો જેવાકે ગાંધીજી,શિવાજી,ભગતસિંહ વગેરે તૈયાર કરવામાં આવ્યા અને છેલ્લે દેશભક્તિના ગીતો ગાયા. ત્યારબાદ શાળાના આચાર્ય, સંચાલક શ્રી અશ્વિન સર તથા શિબિરાર્થીઓની સભા યોજાઈ. જેમાં શિબિરાર્થીઓએ પોતાના શિબિર અંગેના અનુભવ કહ્યા અને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. પછી ભોજન લીધા બાદ વિદ્યાર્થીઓ અમદાવાદ પરત ફર્યા.
a